સમૂહ લગ્ન
આપણા વિસ્તારમાં કોળી પટેલ સમાજ વિવિધ ક્ષેત્રોમાં નૈતૃત્વ કરે છે. કોળીપટેલોની સંખ્યા પણ વિશાળ છે, અને તેમ છતાં આપણા સમાજના મોટા ભાગના પરિવારો આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે સામાન્ય છે. અન્ય સમાજ ની તુલનામાં આપણા રીતિ- રિવાજો પરંપરાઓ અને વ્યવહારોમાં સુધારા કરવાની જરૂર છે. કોળી પટેલ સમાજની સંસ્કૃતિ અને પરંપરા એ આપણા પૂર્વજો એ સોંપેલ વિરાસત છે. આપણા સમાજની સંસ્કૃતિનું સંવર્ધન અને જતન આપણી સહિયારી જવાબદારી છે. બદલાતા હાઇટેકયુગની સાથે આપણે એક સમૃદ્ધ અને સુસંકૃત સમાજની પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તન જરૂરી છે અને કુદરતનો પણ ક્રમ છે પરિવર્તનનો ......! આપણા સમાજમાં પરિવર્તન માટેનો મુખ્ય કોઈ આધાર હોય તો તે છે લગ્નપ્રસંગ અને લગ્ન ની પરંપરાઓ......!
ભૌતિકવાદી આ યુગમાં માનવતાવાદી અભિગમની આજે સર્વત્ર જરૂર વર્તાઈ રહી છે. સમાજ ત્યારેજ સમૃદ્ધ બને જયારે સમાજના લોકો આર્થિક ક્ષેત્રેજ નહીં પરંતુ વૈચારિકરીતે પણ સમૃદ્ધ બને અને એ માટેજ આપણા સમાજના કેટલાક યુવાન વિચારશીલો એ સમૂહલગ્ન નું આયોજન કર્યું છે, એવી એક વિચારધારા સાથે કે;
“એક સુંદર વિચાર જીવન ને નવો રાહ ચીંધી શકે; સમૂહલગ્ન એ માત્ર લગ્ન જ નહીં; આપણા સમાજ નો પવિત્ર યજ્ઞ બની શકે “
ઉદ્દેશ્ય :
* સારા વિચારો અને શુભ આશયથી થતું કાર્ય સમાજને નવી દિશા બતાવી સમાજની દશામાં પરિવર્તન લાવી શકે .
* સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સમૂહભાવના સાથે સમુહલગ્ન વિધિ સંપન્ન થશે .
* સાચા અર્થમાં એકતા કહેવાશે, માનવતાવાદી અભિગમ જળવાશે, સામાજિક ભેદભાવ નાબુદ થશે
* સમય શક્તિ અને સંપતિ નો દુર્વ્યય અટકશે .
સામાજિક સમૂહ લગ્ન એ આપણા સમાજ માટે એક પવિત્ર યજ્ઞ છે યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે તમામ ફળ આ સમૂહલગ્ન રૂપી યજ્ઞથી સમાજ ને મળશે. સમાજના પ્રતિભાશાળીઓની પ્રતિભા, સમૃદ્ધોની સમૃદ્ધિ અને સાહસિકોની શક્તિ આ યજ્ઞમાં આહુતિ રૂપે આપશે, અને સમાજની પ્રત્યેક વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાગીદાર બનશે, એવી અમારી સદભાવના છે. કારણકે આપણા સમાજની હસ્તી આપના સમાજનું અસ્તિત્વ અને આપણાસારા કામો પર અવલંબે છે.
હૃદયથી આપ સૌને લાગણી સભર અનુરોધ છે કે _
“ચાલો માનવતાનાં ફૂલ ખીલવીએ;
થોડું નમીએ , થોડું ખમીએ , થોડું દઈએ .
થોડું એક બીજાને હેત થી કહીએ ...
તું ચિંતા ના કર, હું છું ને !
ચાલો માનવતા ના ફૂલ ખીલવીએ .”
આવી ભાવના રાખીશું તો સમાજની પ્રત્યેક વ્યક્તિ વચ્ચે નું અંતર ઘટશે. એક એવા સુસંસ્કૃત સમાજ નું નિર્માણ થશે કે જેનાથી આપણા સમાજના દુષણોનો દાનવ નાશ પામશે. આપણી ભાવી પેઢી આર્થિક ; સામાજિક અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ થશે.
આવા ઉમદા આદર્શવાદી વિચારો સાથે સમાજની સંસ્કૃતિના સંવર્ધન માટે જાગૃત અને સામાજિક સદભાવના ધરાવતા કેટલાક ભાઈ-બહેનો એ સમૂહલગ્ન ના આયોજનનું પવિત્ર કાર્ય હાથ ધર્યું.
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા સને ૧૯૭૬ માં ઉદવાડા ખાતેની ભગિની સમાજ હાઇસ્કુલમાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ છ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા. ત્યાર બાદ સમાજની વાડી ખાતે પણ કેટલાક સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ કાર્ય બંધ થઇ ગયું હતું, જેના આજના યુવાનોએ સાથે મળી ફરી પાછું શરુ કર્યું અને વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે અક્ષય તૃતીયા ના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને સમાજ તરફથી એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સાર્વજનિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નં.: એફ. ૯૬/વલસાડ
નોંધણી નં.: ગુજરાત - ૪૨, વલસાડ
આવકવેરા મુક્તિ પ્રમાણપત્ર
Registration U/S 80G (5) of Income Tax Act. 1961
No. CIT/VLS/TECH/DVK/2003-2004/ Valid up to 31st March - 20